ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિસ્ટન્સ એજયુકેશન (આઇડિયા), વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, આ.કૃ.યુ., આણંદ દ્વારા ગ્રીન હાઉસ / નેટ હાઉસમાં ખેતી અંગેનો તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિસ્ટન્સ એજયુકેશન (આઇડિયા), વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ દ્વારા ડૉ. કે. બી. કથીરીયા, માન. કુલપતિશ્રીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ ૧૦-દિવસીય ગ્રીન હાઉસ/નેટ હાઉસ તાલીમ કાર્યક્રમમાં ભાગ લેનાર ખેડૂત તાલીમાર્થીઓને વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડૉ. જે. કે. પટેલના હસ્તે તા. ૧૮.૦૯.૨૦૨૫ ના રોજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડૉ. જે. કે. પટેલએ આ પ્રસંગે ખેડૂતોને આ તાલીમ થકી મેળવેલ જ્ઞાનનો ઉપયોગ તેઓની ગ્રીન હાઉસ/નેટ હાઉસની ખેતીમાં કરવા તેમજ અન્ય ખેડૂતોને પણ માર્ગદર્શન પુરૂ પાડવા અનુરોધ કરેલ. આ ઉપરાંત, તેઓશ્રીએ ગ્રીન હાઉસ/નેટ હાઉસમાં ખેતી અંગે વધુ તાંત્રિક માર્ગદર્શનની જરૂર પડે અથવા આ ખેતી દરમ્યાન કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો યુનિવર્સિટી અથવા યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોનો સંપર્ક કરવા જણાવેલ.
આ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ બાગાયત મહાવિદ્યાલયના આચાર્ય અને ડીનશ્રી, ડૉ. એન. આઇ. શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે, યુનિવર્સિટી દ્વારા ગ્રીન હાઉસ/નેટ હાઉસ તાલીમ કાર્યક્રમમાં દર વર્ષે જરૂરિયાત મુજબ નવા અને અદ્યતન વિષયો ઉમેરવામાં આવે છે. વધુમાં, તેઓશ્રીએ જણાવેલ કે, આગામી સમયમાં કીચન ગાર્ડનીંગ અને હાઇડ્રોપોનીકસ વિષયોને લગતી નવી તાલિમોનું આયોજન કરવામાં આવશે. સમગ્ર તાલીમ કાર્યક્રમનું સંચાલન ર્ડા. એસ. ડી. પટેલ, નિયામકશ્રી, આઇડીયા અને ર્ડા. જી. એન. થોરાત, મદદનીશ પ્રાધ્યાપક દ્વારા કરવામાં આવેલ.
આ તાલીમ વર્ગમાં ગુજરાત રાજયના આણંદ, ખેડા, અમદવાદ, વડોદરા, છોટાઉદેપુર, મહિસાગર, દાહોદ અને બોટાદ જીલ્લાના કુલ ૫૮ ખેડૂતોએ ભાગ લીધેલ. સમગ્ર તાલીમ દરમ્યાન તાલીમાર્થીઓને યુનિવર્સિટીના નિષ્ણાંત વૈજ્ઞાનિકોએ વ્યાખ્યાન દ્વારા વિવિધ વિષયો જેવા કે, ગ્રીન હાઉસ અને નેટહાઉસના પ્રકારો, જાળવણી, પ્લાન્ટીંગ મટીરીયલ્સનો ઉપયોગ અને ઉપલબ્ધતા, સૂક્ષ્મતત્વોનો અને વૃધ્ધિ નિયંત્રકોનો ઉપયોગ, સંકલિત જીવાત વ્યવસ્થાપન, સંકલિત રોગ વ્યવસ્થાપન, નર્સરી ઉછેર તેમજ જુદા જુદા શાકભાજી અને ફૂલપાકોની ખેતી અંગે માહિતી આપવામાં આવેલ. આ ઉપરાંત, ખેડૂતોને આણંદ કૃષિ યુનિવર્સિટીના જુદા જુદા વિભાગોની અને પ્રગતિશીલ ખેડૂતોના ગ્રીન હાઉસ/નેટ હાઉસની પ્રત્યક્ષ મુલાકાત કરાવવામાં આવેલ અને તાલીમ દરમ્યાન ખેડૂતોને કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત વિવિધ ખેડૂત ઉપયોગી સાહિત્યનું (પુસ્તકો) વિતરણ પણ કરવામાં આવેલ.
આ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોના તાલીમ અંગેના પ્રતિભાવો મેળવવામાં આવેલ. જે મૂજબ આ તાલીમથી ખેડૂતોને સંપૂર્ણ સંતોષ મળેલ તથા તેઓએ જણાવેલ કે, વૈજ્ઞાનિકો દ્વારા તેમને સરળ ભાષામાં સમજાવવામાં આવેલ. વધુમાં, પ્રતિભાવ આપતા ખેડૂતોએ જણાવેલ કે, તેઓ અવારનવાર આણંદ કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લેશે અને યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના સંપર્કમાં રહેશે.